[ad_1]
વડોદરા, તા. 17 નવેમ્બર 2021 બુધવાર
વડોદરામાં છાણી વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલના કિનારા પાસે જ મેડિકલ વેસ્ટના ઢગલા ઠાલવવામાં આવ્યા છે. આશરે એક કિલોમીટર સુધી કેનાલની ધારે આશરે વીસ ડમ્પર ભરાય તેટલો આ મેડિકલ વેસ્ટ કોણ નાખી ગયું તે રહસ્ય છે. આ એ જ કેનાલ છે જ્યાંથી કોર્પોરેશનના ખાનપુર પ્રોજેકટથી શહેરના દક્ષિણ વિસ્તારોને પીવાનું પાણી મળે છે.
મેડિકલ વેસ્ટમાં ઇન્જેક્શનની ખાલી બોટલો અને ટેસ્ટ ટ્યુબ નો સમાવેશ થાય છે. આટલો વિપુલ જથ્થો કોણ નાખી ગયું તે મુદ્દે તપાસ કરવા વોર્ડ નંબર 1 ના કોંગ્રેસના કોર્પોરેટરોએ સ્થળ પર જઈને જોતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. તેઓએ કોર્પોરેશનના અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા હતા. મેડિકલ વેસ્ટ કેનાલ થી થોડે દુર છે. જો કોઈ કેનાલમાં નાખી દે તો પાણી પણ દવા અથવા કેમિકલવાળું દૂષિત થઈ જાય તો લોકોના સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો ઉભો થઈ શકે તેમ છે.
કેનાલ પાસે ખાળ કુવા નો રગડો તેમ જ બીજો કચરો પણ ખુલ્લો ઠાલવી દેવામાં આવે છે. જેના કારણે કેનાલ નજીકનો વિસ્તાર ડમ્પિંગ યાર્ડ બની ગયો છે. દરમિયાન કોર્પોરેશનના વર્તુળોએ જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા મેડિકલ વેસ્ટનો નિકાલ કરવા એક એજન્સીને કામ સોંપ્યું છે અને કોઈ પણ મેડિકલ વેસ્ટનો નિકાલ કરવો હોય તો તેનો સંપર્ક કરવો પડે છે. જેની ગાડી આવીને કચરો ભરીને લઈ જાય છે. અટલાદરા ખાતે મેડિકલ વેસ્ટનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે કરવા વ્યવસ્થા ઊભી કરી છે તે સિવાય બારોબાર નિકાલ થઈ શકે નહીં.
[ad_2]
Source link