[ad_1]
ઇંડાની લારીઓ મુદ્દે સરકાર-ભાજપ સંગઠને હાથ ખંખેર્યા
મહેસૂલ મંત્રીએ સરકારને ભેખડે ભેરવી સંગઠનના વિપરીત વલણથી સત્તાધીશો પણ મૂંઝાયા
અમદાવાદ : ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં જાહેર માર્ગો પર ઇંડા-નોન વેજની લારીઓ પર પ્રતિબંધ મૂકાયો છે. અમદાવાદ સહિત અન્ય શહેરોમાં ભાજપના શાસકોએ ઇંડા-નોન વેજની લારીઓ હટાવવા મુહિમ શરૂ કરી છે.
આ તરફ, આ મામલે રાજકારણ ગરમાયુ છે. એટલુ જ નહીં, રોજગારીના મુદ્દાને આગળ લારીવાળાઓ વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખે પણ પલટવાર કર્યો છે અને એવો મત વ્યક્ત કર્યો છેકે, ઇંડા-નોન વેજના વેચાણનો વિરોધ જ નથી. જાહેર રસ્તા પર ટ્રાફિકને અવરોધરૂપ લારીઓ જ હટાવાશે.
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ઇઁડા-નોન વેજની લારીઓને જાહેર રસ્તા પર દબાણ જ નહીં, લેન્ડગ્રેબિંગ સાથે સરખાવ્યા હતાં. આ નિવેદનને પગલે ભાજપ સરકાર ભેખડે ભરાઇ હતી. ભાજપ શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશનોએ શહેરી વિસ્તારોમાં જાહેર માર્ગો પર ઇંડા-નોન વેજની લારીઓ બંધ કરાવવાનુ શરૂ કર્યુ છે.
અમદાવાદમાં પણ ઇંડા-નોન વેજની લારીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે આ મામલે એવી પ્રતિક્રિયા આપી કે, ઇંડા-નોનવેજની લારીઓ હટાવવાનો સવાલ જ નથી. નોનવેજના વેચાણનો ય વિરોધ નથી. શહેરોમાં રસ્તામાં ટ્રાફિકને અડચણરૂપ લારીઓ જ હટાવવામાં આવશે. રોજગારીના મામલે વિરોધવંટોળ શરૂ થયા પ્રદેશ પ્રમુખે પીછેહટ કરવી પડ હતી. ભાજપ પ્રદેશ પ્રમુખે મહેસૂલ મંત્રી સહિતના બધાય મંત્રીઓને વિવાદાસ્પદ નિવેદન નહી કરવા સ્પષ્ટ સૂચના પણ આપી છે.
મહત્વની વાત તો એછેકે, અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં ભાજપના સત્તાધીશોએ ઇંડા- નોનવેજની લારીઓ જાહેર માર્ગો પરથી હટાવવાનો નિર્ણય કર્યો હતો ત્યારે ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખે વિપરીત વલણ દાખવતાં ભાજપના સત્તાધીશો પણ મૂંઝવણમાં મૂકાયા હતાં. હવે આ નિર્ણયને આગળ ધપાવવો પછી નિર્ણય બદલવો એ અંગે ભાજપના શાસકો વિચારી રહ્યા છે. ગઇકાલે આણંદમાં ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કહ્યુ હતુંકે, જેને જે ખાવુ હોય તે ખાય, સરકારને કોઇ વાંધો નથી.
આ બાજુ, શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડિયાએ પણ એવો મત વ્યક્ત કર્યો કે, ઇંડા-નોન વેજની લારીઓ જાહેર માર્ગ પરથી હટાવવા સરકારે મ્યુનિ.કોર્પોરેશનને કોઇ સુચના આપી નથી.આ સરકારનો નિર્ણય જ નથી. ઇંડા-નોન વેજના વેચાણનો કોઇ ઇસ્યુ જ નથી. માત્ર ટ્રાફિકમાં નડતરરૂપ હશે તે લારીઓને જ હટાવાશે. આમ, ઇંડા-નોનવેજનો મુદ્દે ભાજપ સરકાર-સંગઠને હાથ ખંખેરી લીધા છે.
નોનવેજ : પહેલાં વિવાદ સર્જયો પછી હાથ ખંખેરવાની રમત
બધે જ એક જ પક્ષનું શાસન છે અને છતાં સરકાર – સંગઠન વચ્ચે સંકલનનો અભાવ
અમદાવાદ : નોન-વેજની લારીઓના મુદ્દે રાજકોટના મેયરે કરેલી કાર્યવાહી પછી આખા ગુજરાતમાં તમામ ભાજપશાસિત મ્યુનિ. કોર્પોરેશનો, નગરપાલિકાઓમાં જાણે પ્રતિબંધોનું પૂર આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. રાજ્યના સિનીયરમંત્રી મહેસૂલ પ્રધાને લેન્ડગ્રેબિંગનો મુદ્દો ભેળવીને આખીય કાર્યવાહીને રાજ્યવ્યાપી બનાવવાનો સંકેત આપી દીધો.
એની ટીકા થઇ એટલે હવે ભાજપનું પ્રદેશ સંકલન અને જેના હાથમાં સત્તા છે તેવી ભાજપ સરકારે આખીય વાત અમે નથી કરી એમ કહીને હાથ ખંખેરી નાખ્યા છે. હવે ભાજપ પ્રદેશ પ્રમુખ કહે છે કે નડતરરૂપ લારીઓ ખસેડવાની જ વાત છે અને મુખ્યમંત્રી કહે છે કે જેને જે ખાવું હોય તે ખાય ! તો પછી આઠ મહાનગરોમાં મોટા ઉપાડે કાર્યવાહી કરવાની સૂચના કોણે આપી.
ફૂટપાથો પરના દબાણને દૂર કરવાની ટેકનિકલ બાબતને વેજ-નોનવેજ સાથે જોડી દેવાનો અટકચાળો કરવા પાછળનું કારણ શું છે. મહેસૂલ પ્રધાન બોલે પછી પ્રમુખ એમને આવાં નિવેદનો ન કરવાનું કહે તો પછી આટલાબધા દિવસથી પ્રજા, લારી-ગલ્લાઓ દ્વારા રોજગારી રળનારાઓ સાથે રમત રમવાની પેરવી કોના ઈશારે થઇ છે.
દબાણ ખાતુ એકદમ એક્ટિવ થઇને કામ કરવા માંડે તેની સૂચના કોણે આપી છે. શાસકોએ આવી ‘બાળરમત’ ત્યજવી જોઇએ અને સ્પષ્ટ દિશા-નિર્દેશ સાથે બહાર આવવું જોઇએ. લોકોને કારણ વિના વિવાદોમાં પલોટી દેવા એ ક્યાંનો ન્યાય છે. રાજ્યમાં ભાજપનું શાસન છે અને તેની બેય પાંખો સંગઠન અને સરકાર વચ્ચે કોઇ નક્કર સંકલન નથી પરિણામે આવી સ્થિતિ સર્જાઇ છે.
[ad_2]
Source link