[ad_1]
વડોદરા, તા. 16 નવેમ્બર 2021 મંગળવાર
વડોદરા શહેરની વચ્ચે પશુપાલકો પોતાના પશુઓને ઉછેરે છે અને જેઓ પાસે પશુઓ રાખવાની પૂરતી જગ્યા નથી તે શહેરમાં પશુઓને છોડી દે છે. જેના કારણે રોડ પર પશુ આવી જતાં વાહનચાલકો અને રાહદારીઓને તકલીફ પડે છે. પશુઓના કારણે જીવલેણ અકસ્માતો સર્જાય છે. પશુઓની સમસ્યા કાયમી ઉકેલવા માટે કોર્પોરેશન દ્વારા શહેરની બહાર કાયમી ધોરણે પશુ શિફ્ટ કરીને અહીં રાખી શકાય તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે.
વડોદરામાં આજવા રોડ, વાઘોડિયા રોડ અને સોમા તળાવ વિસ્તારના પશુપાલકો પોતાના પશુઓને શહેરમાં છોડવાના બદલે નજીક ઊભી થઈ રહેલી વ્યવસ્થા ખાતે પોતાના પશુઓને રાખે તે માટે કોર્પોરેશન દ્વારા એક મિટિંગનું આયોજન ટૂંક સમયમાં કરવામાં આવશે. આ મિટિંગમાં પશુપાલકોને પોતાના ઢોર ત્યાં રાખવા માટે સમજાવાશે.
કોર્પોરેશન પશુઓ રાખવા માટે જગ્યા આપશે. લાઈટ અને પાણીની સુવિધા આપશે .પશુઓને શેડ ,ઘાસચારો અને દોહવાની વ્યવસ્થા જે તે પશુપાલકોએ કરવાની રહેશે તેમ જણાવતા મેયરએ કહ્યું છે કે આજે ખટંબા કેટલશેડ ની બાજુમાં 1500 પશુઓને રાખવા માટે ઊભી થતી વ્યવસ્થાનું કોર્પોરેશનના અધિકારીઓ, સાંસદ, નેતા અને કોર્પોરેટરોએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. એક લાખ ચોરસ ફુટ જગ્યા ફરતે ફેન્સીંગની કામગીરી દસ દિવસમાં પૂરી થશે. અહીં પશુ કેવી રીતે રાખવા, ક્યાં પોન્ડ બનાવવા વગેરેની નવી ડિઝાઈન બનાવાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કલેક્ટર પાસે આઠ વિસ્તારમાં આઠ લાખ ચોરસ ફુટ જગ્યા માગી છે. જગ્યા ફાઈનલ થયા બાદ રાજ્ય સરકારને જાણ કરાશે.
હાલ કોર્પોરેશન પાસે છાણી, ખટંબા, જાંબુઆ અને કરોળિયા ખાતે ચાર લાખ ચોરસ ફુટ જગ્યા છે. તમામ જગ્યા ખાતે બધી વ્યવસ્થા ઊભી થતાં 15 હજારથી વધુ પશુઓ રાખી શકાશે. ખટંબા ખાતે હાલ ફેન્સીંગ ની કામગીરી ચાલે છે, તે પ્રમાણે ટૂંક સમયમાં વધુ એક બે સ્થળે ફેન્સીંગ કાર્ય શરૂ કરી દેવાશે. પશુપાલકો જગ્યા મળે તો પશુઓ શિફ્ટ કરવા માટે તૈયારી બતાવી રહ્યા છે, આમ છતાં જો તેઓ જગ્યા ફાળવવા છતાં પશુઓ શિફ્ટ નહીં કરે તો કોર્પોરેશન ઢોર પકડવાની ઝુંબેશ વધુ કડક પણે હાથ ધરશે.
[ad_2]
Source link