[ad_1]
– પ્રત્યેક વર્ષે મહિ કેનાલોમાં સિંચાઇ માટે 15 મી નવેમ્બર સુધી પાણી છોડવામા આવે છે
– રવી સિઝન માટે ખેડૂતોની માગ, અનિવાર્યતા અને જથ્થાને ધ્યાને લઇને આગામી દિવસોમાં તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવશે
આણંદ-ખેડા જિલ્લામા ઉનાળુઋતુમાં પીવાલાયક પાણીની જરૂરિયાતને પહોંચી વળવા, પાણીની તંગી ધરાવતા વિસ્તારોમાં તેમજ ખેતીકાર્યો માટે સમયાંતરે મહિસાગર નદી ઉપર આવેલા કડાણા જળાશયમાંથી વાયા વણાકબોરી વિયર મારફતે કેનાલોમાં પાણી વહેતુ કરવામા આવે છે.
પ્રત્યેક વર્ષે દિવાળી સુધી ખરીફસિઝન ચાલતી હોઇ ખેતીકાર્યો માટે ૧૫ નવેમ્બર સુધી નહેરોમાં પાણી છોડવામા આવે છે.
જોકે ચાલુ વર્ષે પ્રારંભિક વરસાદની નબળી સ્થિતિ અને ચોમાસુ લંબાતા કેટલાક ખેડૂતોએ ડાંગર સહિતના પાકોનુ પાછોતરૂ વાવેતર કર્યુ હતું.
તેમાં અંતિમ પિયતની જરૂરિયાતને ધ્યાને લેતા સિંચાઇ વિભાગ દ્વારા ચોમાસુપાક માટે વધુ એક સપ્તાહ ઉપરાંતના સમય સુધી જળપ્રવાહ વહેતો કરાશે.
હાલમાં વણાકબોરી વિયર મારફતે મહિકેનાલોમાં પ્રતિદિન ૨ હજાર ક્યુસેક પાણી છોડાઇ રહ્યુ છે.જેમાં અમદાવાદ જિલ્લા માટે વાયા રાસ્કા વિયર દ્વારા શેઢી શાખામા ૬૦૦ કયુસેક, નડિયાદ બ્રાન્ચમાં ૬૦૦ કયુસેક, મેઇન બ્રાન્ચમાં ૪૫૦ કયુસેક, મહિસાગર નદીને જીવંત રાખવા ૩૦૦ કયુસેક તેમજ બાષ્પીભવન સહિતનો જથ્થો મળીને ૨ હજાર કયુસેક પાણી છોડવામા આવી રહ્યુ છે.
ખેડૂતોની માંગ-અનિવાર્યતા મુજબ પાણી છોડાશે : અધિકારી
સિંચાઇ વિભાગના અધિકારીએ જણાવ્યુ કે હાલમાં શિયાળુ વાવેતરની સિઝન ચાલી રહી હોઇ આગામી દિવસોમા રવિપાક માટે પિયતની ઉભી થનારી જરૂરિયાતને ધ્યાને લઇને ખેડૂતોની માંગ, નિયત જરૂરિયાત તેમજ જળાશયોમા પાણીની સ્થિતિના આધારે નહેરોમા પાણી છોડવાનો નિર્ણય લેવાશે.
[ad_2]
Source link