પોલીસકર્મી સહિત 6 શખ્સો સામેની ફરિયાદમાં મંદ ગતિએ થતી તપાસથી અનેક તર્કવિતર્ક

0
148

[ad_1]

– વિદ્યાનગરમાં બળજબરીપૂર્વક મકાન ખાલી કરાવવાની ઘટનાનો વિવાદ વકર્યો

– ફરિયાદ નોંધાયાના એક સપ્તાહથી વધુનો સમય થયો હોવા છતાં પોલીસ હજુ નિવેદન નોંધી રહી છે

આણંદ : આણંદ પાસેના વિદ્યાનગરમાં બળજબરીપૂર્વક મકાન ખાલી કરાવવાની ઘટનામાં એક પોલીસકર્મી સહિત છ વ્યક્તિઓ વિરૂધ્ધ વિદ્યાનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ લગભગ એક સપ્તાહ ઉપરાંતનો સમય વીતી જવા છતાં પણ પોલીસ દ્વારા મંદ ગતિએ તપાસ શરૂ કરાતા અનેક તર્ક-વિતર્ક ચર્ચાની એરણે ચઢ્યા છે. 

પોલીસના જ એક મોટા માથા દ્વારા ખ્યાતનામ વ્યક્તિ સાથે સાંઠ-ગાંઠ કરી સમગ્ર મામલો રફેદફે કરવાના સોગઠા ગોઠવાયા હોવાની પણ ચર્ચાઓએ જોર પકડયું છે. વિદ્યાનગરની બાવીસ ગામ સ્કુલ નજીક રહેતા અભિષેક માનેની વડીલોપાર્જીત મિલ્કત સંદર્ભે વર્ષ ૧૯૯૧માં તેઓના ફોઈ-ફુઆએ અભિષેકભાઈના મૃત પિતાની ખોટી સહીઓ કરાવી કાયદેસર રીતે વારસાઈ કરાવ્યા વિના સીધો જ હક્ક કમી કરાવી મિલ્કત પોતાના નામે કરાવી લીધી હતી. બાદમાં આ મિલ્કત તેઓએ વર્ષ ૨૦૨૦માં આણંદના બિલ્ડર પ્રિતેશ હસમુખભાઈ પટેલને વેચાણ દસ્તાવેજથી વેચી દીધી હતી. ત્યારબાદ આ મિલ્કતનો કબ્જો મેળવવા માટે ગત તા.૧૫મી માર્ચના રોજ આણંદની ડીવાયએસપી કચેરીમાં ફરજ બજાવતા પોલીસકર્મી વિજયભાઈ પરમાર સહિતના અન્ય શખ્શો ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં અભિષેકભાઈના પરિવારની મહિલા સાથે બિભત્સ વર્તન કરી ધાક-ધમકી આપી મિલ્કતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ઘરવખરીનો સામાન બહાર ફેંકી ધઈ કબ્જો લઈ લીધો હતો. આ મામલે અભિષેક માનેએ કોર્ટના દ્વાર ખખડાવ્યા બાદ કોર્ટના હુકમથી વિદ્યાનગર પોલીસે લગભગ એક સપ્તાહ અગાઉ પ્રભાબેન ગણપતરાવ માને, પ્રિતેશ હર્ષદભાઈ પટેલ, સરોજબેન નિતીનકૃષ્ણાં ભોંયર, નિતીનકૃષ્ણા ભોંયર, રીટાબેન અરૂણકુમાર ગુજરાથી અને નાયબ પોલીસ અધિક્ષકની કચેરીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ પરમાર વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાયાને આજે લગભગ એક સપ્તાહથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ પોલીસ દ્વારા અત્યારે માત્ર નિવેદનો લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. બીજી તરફ સમગ્ર ઘટનામાં નાયબ પોલીસ અધિક્ષકની કચેરીના એક પોલીસ કોન્સ્ટેબલનું નામ પણ સામેલ હોઈ પોલીસની ઢીલી કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

અમે આરોપીઓની રાહ જોઇ રહ્યાં છીએઃ વિદ્યાનગર પી.આઇ.

આ અંગે વિદ્યાનગર પોલીસ મથકના પી.આઈ. એલ.બી.ડાભીનો સંપર્ક કરી પૃચ્છા કરતા તેઓએ જણાવ્યું હતું કે ફરિયાદી પક્ષે નિવેદનો લેવામાં આવ્યા છે. આરોપી પક્ષે નિવેદનો લેવાના બાકી છે. આરોપીઓ અન્ય રાજ્યમાં ગયેલ હોઈ આગામી તા.૧૭મીના રોજ નિવેદન લેવામાં આવશે. સાથે સાથે પોલીસ કોન્સ્ટેબલનું પણ નિવેદન લેવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

[ad_2]

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here