[ad_1]
વડોદરા, તા. 12 નવેમ્બર 2021 શુક્રવાર
વડોદરાની મધ્યમાં આવેલી ઐતિહાસિક ન્યાયમંદિર બિલ્ડિંગમાં સીટી મ્યુઝિયમ બનાવવાનું હજી અધ્ધરતાલ જ છે. સીટી મ્યુઝિયમ બનાવવાનો પ્રોજેક્ટ વર્ષ 2014માં વિચારાયો હતો ,પરંતુ હજી સુધી કાંઈ થયું નથી. ન્યાયમંદિર બિલ્ડિંગ સીટી મ્યુઝિયમ તરીકે વિકસાવવા માટે તેમજ વહીવટ અને નિભાવણી માટે વડોદરા કોર્પોરેશનને આપવા વર્ષ 2017માં કલેકટરને દરખાસ્ત કરવામાં આવી હતી. એ પછી મહેસૂલ વિભાગને અને બાદમાં ફરી કલેકટરને દરખાસ્ત કરી હતી.
વર્ષ 2020 અને વર્ષ 2021 ના આરંભે નવચેતના ફોરમ અને વેપાર વિકાસ એસોસિએશન દ્વારા ન્યાય મંદિર માં સીટી હેરિટેજ મ્યુઝિયમ બનાવવાની માગણીના સમર્થનમાં નગરજનોની સહી લઇ ઝુંબેશ કરી હતી. એ સમયે ચૂંટણીઓ આવતી હોવાથી તારીખ 17 જાન્યુઆરી 2021 ના રોજ તત્કાલીન ગૃહમંત્રી વડોદરા રૂબરૂ આવીને તત્કાલીન કલેકટર ને ન્યાય મંદિરનો ચાર્જ આપ્યો હતો, પરંતુ એ પછી વડોદરા કોર્પોરેશનને ચાર્જ મળ્યો નથી. જોકે ત્યાર બાદ મ્યુઝિયમ બનાવવા કોઈ ગંભીર પ્રયાસ થયા નથી.
આમ છતાં વડોદરા કોર્પોરેશનની ત્રણ મહિના અગાઉ મળેલી સમગ્ર સભામાં વર્ષ 2020- 21 ની વ્યવસાય વેરાની કોર્પોરેશનને સરકાર દ્વારા જે રૂપિયા 21.79 કરોડની ગ્રાંટ ફાળવી હતી, તેમાંથી આંતરમાળખાકીય કામો કરવાની યાદી તૈયાર કરી હતી. તેમાં ન્યાયમંદિર સિટી મ્યુઝિયમ બનાવવા માટે રૂપિયા 2 કરોડના ખર્ચનો અંદાજ નું કામ પણ મુક્યુ હતું.
જોકે આ બધા કામોની દરખાસ્ત મંજૂરી માટે સરકારમાં મોકલાય છે ,અને ત્યાંથી કામો મંજૂર થાય તે પછી જ હાથ ધરી શકાય છે. બે કરોડના ખર્ચનો અંદાજ મૂકી સીટી મ્યુઝિયમ વિકસાવવાનું કામ કરવાનું નક્કી તો કર્યું છે, પરંતુ હજી સુધી એ દિશામાં કશું નક્કર થઈ શક્યું નથી. જો કે કોર્પોરેશનના પદાધિકારીઓ આ કામ માટે ન્યાય મંદિર બિલ્ડીંગનો કબજો કોર્પોરેશનને જેમ બને તેમ જલ્દી મળે તે અંગે સરકાર સમક્ષ જઇને રજૂઆત કરવાના છે તે જાણવા મળ્યું છે.
સિટી મ્યુઝિયમ બનાવવા તંત્રને ફરી ઢંઢોળવા અને જલ્દી સક્રિય કરવા માટે દેવ દિવાળી પછી ફોરમ દ્વારા શહેરમાં જનજાગૃતિ, સહી ઝુંબેશ અને ધરણા કરાશે. અને આ અજોડ ઇમારત વધુ જીર્ણ-શીર્ણ બનતી અટકાવી વેળાસર મ્યુઝિયમ બનાવવા રજૂઆત કરશે.
[ad_2]
Source link