[ad_1]
વડોદરા, તા. 10 નવેમ્બર 2021 બુધવાર
મથુરા દર્શનાર્થે ગયેલા પરિવારના રાવપુરા સ્થિત બંધ મકાનનું તાળું તોડી રહેલા તસ્કરોનો પ્લાન પાડોશીની સતર્કતાના પગલે નિષ્ફળ નીવડ્યો હતો. મકાનનો નકુચો તોડતા સમયે પાડોશીએ પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસે એક તસ્કરને ઝડપી પાડી અન્ય એક ફરાર શખ્સને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.
ગઇકાલે મળસ્કે 05 વાગ્યાના સુમારે પાડોશી દૂધ લેવા માટે ઘરની બહાર નીકળતા રાવપુરા જી.પી.ઓ ગલી પાસે બે અજાણ્યા છોકરાઓ બાઈક સાથે ઉભા હતા. અને કેરોન દુકાનની પાછળ લોખંડની જાળીનો નકુચો તોડતા નજરે ચડ્યા હતા. જેથી પાડોશીએ પોલીસ કંટ્રોલમાં ફોન કરતા રાવપુરા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવી તાળું તોડી ચોરીનો પ્રયાસ કરી રહેલા એક શખ્સને ઝડપી પાડયો હતો. જ્યારે અન્ય શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપી જોગિંદરસિંગ શિકલીગર ( રહે, અનુપમ નગર, રેલવે કોલોની પાછળ ,દંતેશ્વર ,વડોદરા) તથા ફરાર શખ્સ ત્રિલોકસિંગ શિકલીગર (રહે- વીમા દવાખાના પાછળ, વારસિયા, વડોદરા) હોવાની વિગતો સપાટી પર આવી હતી.
અત્રે નોંધનીય છે કે ,મકાન માલિક નિલેશભાઈ મોદી હાલ મથુરા વૃંદાવન ખાતે દર્શન માટે ગયા હોય પાડોશીની સતર્કતાના પગલે તસ્કરોનો ચોરીનો પ્લાન નિષ્ફળ બન્યો હતો. ફરિયાદના આધારે રાવપુરા પોલીસે આરોપીની ચોરીના પ્રયાસના ગુનામાં અટકાયત કરી વોન્ટેડ આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.
[ad_2]
Source link