[ad_1]
ભરૂચ: આમોદ તાલુકાના સરભાણ ગામમાં એક સગીરાનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે. દાદી સાથે લાકડા લેવા ગયેલી આ કિશોરી સાથે શું થયુ તેની હજુ ચોક્કસ જાણકારી મળી નથી. પરંતુ તેનો મૃતદેહ કઢંગી હાલતમાં મળી આવતા તેની સાથે દુષ્કૃત્ય થયુ હોવાની આશંકા ઘેરી બની છે.
આમોદ પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે સરભાણ ગામમાં રહેતી સગીરા સીમમાં લાકડાં વીણવા માટે ગતરોજ સાંજના સમયે ગઈ હતી. લાકડાં વીણી ઘરે નાંખી ફરીથી લાકડાં લેવા ગઈ હતી. જ્યાં તેની દાદી રાહ જોઈ રહી હતી. એક કલાક પછી પણ કિશોરી ન આવતા તેની દાદી ઘરે આવ્યા હતા. પરંતુ તે ઘરે પણ ન હોવાથી તેની શોધખોળ શરૂ કરાઈ હતી. આ દરમિયાન તેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. જેથી આમોદ પોલીસે તુરંત ઘટનાસ્થળે પહોંચી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આમોદ પોલીસે સગીરાની લાશને સુરત ખાતે પેનલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. જે હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે તે જોતા આ ઘટનામાં બળાત્કાર કરી હત્યા કરવામાં આવી હોવાની પ્રબળ સંભાવના છે.
એમ્બ્યુલન્સના અભાવે મૃતદેહ રઝળતો રહ્યો
સગીરાના પરિવારજનો સગીરાના મૃતદેહને પહેલા સમની પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે સુરત મોકલવાનો હતો. પરંતુ દવાખાનામાં એમ્બ્યુલન્સની વ્યવસ્થા નહોતી. એક એમ્બ્યુલન્સ બંધ હાલતમાં હતી. જેથી ના છુટકે મૃતદેહને ટીંગાટોળી કરી મારૂતિ વાનમાં સુરત ખાતે ખસેડાયો હતો. જેના પગલે સગીરાના પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
[ad_2]
Source link