[ad_1]
વાવ, તા.8
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના વાવ થરાદ સુઇગામ ભાભર વિસ્તારમાં છેલ્લા ચાર માસથી કેનાલો રીપેરીંગ અને સાફ-સફાઈના કારણે પાણી છોડવામાં આવતું ન હતું. ત્યારે દસ દિવસ અગાઉ રવિ સિઝન ચાલુ થતાની સાથે જ બનાસકાંઠાની પાંચ બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડવાનું નર્મદા નિગમ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે પાણી છોડતાની સાથે ખેડૂતો પણ રવી સીઝન પિયતમાં જોતરાયા હતા. પરંતુ ખેડૂતોની કર્મની કઠણાઈ એક જ અઠવાડિયામાં ત્રણ કેનાલોમાં ભંગાણ પડતાં ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે ખેડૂતોના હિતમાં બ્રાન્ચ કેનાલો માઇનોર કેનાલો બનાવવામાં આવે છે પરંતુ જે તે સમયે કેનાલો બનાવતી વખતે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતના કારણે હલકી ગુણવત્તાની બનાવતા તેનો ભોગ આજે પણ ખેડૂતો બની રહ્યા છે. આથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. વાવના તખતપુરા ગામની સીમમાં ગતરોજ ૧૦ ફૂટ જેટલું ભંગાણ પડતાં લાખો લિટર પાણીનો વેડફાટ થયો હતો. જ્યારે ભાભરના કારેલા ગામે ૧૦ ફૂટ જેટલુ ભંગાણ સર્જાતાં લાખો લીટર પાણી વહી ગયું હતું. જ્યારે ગત રોજ સુઈગામ અને થરાદમાંથી પસાર થતી કેનાલોમાં સાફ-સફાઈ કર્યા વગર પણ છોડી દેતા કેનાલ તૂટી જતા ખેતરમાં વાવેલા રવી સીઝનના પાકમાં પાણી ફરી વળતાં પાકમાં નુકશાન થવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે. જ્યારે સનેસડા માઇનોર ત્રણ કેનાલમાં ગતરોજ પાણી છોડતાની સાથે જ કેનાલનું ગરનાળાના જોડાણ નહી કરવાના કારણે ખેતરમાં કરેલ પિયતમાં પાણી ફરી વળ્યું હતું. આમ સરહદી વિસ્તારમાં પાણી છોડવાની સાથે જ ઠેર ઠેર ગાબડાં પડતાં ખેડૂતોમાં પણ નારાજગી જોવા મળી હતી. કેનાલોમાં પાણી આવે તો મસમોટા ગાબડા પડે છે અને ના આવે તો રવી સીઝનમાં ખેડૂતો વાવણીથી વંચિત રહે છે. આવી સ્થિતિમાં ખેડૂતોની હાલત કફોડી બનતાં ખેડૂતોને ભારે આર્થિક માર સહન કરવો પડી રહ્યો છે.
[ad_2]
Source link