[ad_1]
– તંત્ર દ્વારા આવા બનાવટી તબીબો સામે કડક પગલાં લેવા રાવ
– જિલ્લામાં વાહકજન્ય રોગચાળો વકરતા ગ્રામ્ય સ્તરે હાટડી માંડનારા બોગસ ડોક્ટરો સામે પગલાં માંગ
છેલ્લા કેટલાક સમયથી આણંદ જિલ્લામાં રોગચાળો વકર્યો છે. બેવડી ઋતુને લઈને ડેન્ગ્યુ જેવી બિમારીના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. જો કે વકરતા રોગચાળા વચ્ચે આણંદ જિલ્લામાં કેટલાક બોગસ તબીબો દ્વારા પોતાની ગેરકાયદેસર હાટડીઓમાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરી આડેધડ સારવાર કરવામાં આવતી હોવાનું જાગૃતો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાંક બોગસ તબીબોનો રાફડો ફાટયો છે. આવા બોગસ તબીબો ગ્રામ્ય વિસ્તારમાં પોતાની હાટડીઓ શરૂ કરી ગ્રામ્ય વિસ્તારના લોકોને ગેરમાર્ગે દોરી આડેધડ રીતે સારવાર કરતા હોય છે. જેને લઈ કેટલીક વખત દર્દીઓ વધુ મુશ્કેલીમાં મુકાતા હોય છે. દર્દીનું દુઃખ વધતા જ પરિવારજનો દ્વારા મોટી હોસ્પિટલમાં લઈ ગયા બાદ પરિવારજનોને ખ્યાલ આવે છે કે અગાઉના તબીબે ખોટી દવા કરી હતી. જો કે પરિવારજનો આવી ફરિયાદ લઈને પહોંચતા આવા બોગસ તબીબો ગમે તેમ જવાબો આપી ગ્રામ્ય વિસ્તારના લોકોને રવાના કરી દેતા હોય છે.
વધુમાં કેટલાક તબીબોની મોટી હોસ્પિટલો સાથે સાંઠગાંઠ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આવા તબીબો દ્વારા દર્દીનો કેસ બગડતા મોટી હોસ્પિટલમાં મોકલી પોતાનું કમીશન કાઢવામાં આવતું હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે. સાથે સાથે વિવિધ રીપોર્ટ કઢાવવા માટે પણ લેબોરટરીઓવાળા સાથે સાંઠગાંઠ હોવાની ચર્ચાઓ પણ લોકમુખે ચર્ચાઈ રહી છે. જિલ્લામાં બોગસ તબીબો દ્વારા દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે.
ત્યારે સંબંધિત તંત્ર દ્વારા આ મામલે સત્વરે આળસ ખંખેરવામાં આવે અને જિલ્લામાં બોગસ દુકાનો ચલાવતા તબીબો ઉપર કાયદાકીય કોરડો વીંઝવામાં આવે તેવી માંગ ઉઠી છે.
[ad_2]
Source link