[ad_1]
મહેસાણા, તા.30
છેલ્લાં કેટલાંક અરસાથી મહેસાણા જિલ્લામાં ડેન્ગ્યૂ, ચીકનગુનિયા, મેલેરિયા વગેરેની બીમારીએ માથું ઉંચક્યું છે. જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં ડેન્ગ્યૂ, ચીકનગુનિયા, મેેલેરિયાના કેસો રોજબરોજ વધતાં રહ્યાં છે. મહેસાણા જિલ્લામાં આજસુધીમાં ડેન્ગ્યૂના ૮૦ દર્દી, ચીકનગુનિયાના ૨૫ કેસ અને મેલેરિયાની બીમારીમાં ૫૬ દર્દીઓ નોંધાયા છે. ખાનગી અને સરકારી દવાખાનાઓમાં દર્દીઓના નિદાન અને સારવારના કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધતી રહી છે.
મહેસાણા જિલ્લામાં પી.એચ.સી.-૫૭ તથા સી.એચ.સી.-૧૩ અને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ-૩ કાર્યરત છે. જિલ્લાની હોસ્પિટલોમાં અત્યારસુધીમાં ડેન્ગ્યૂની બીમારીના ૮૦ કેસ તેમજ ચીકનગુનિયાના ૨૫ દર્દી અને મેલેરિયાના ૫૬ કેસ નોંધાયા છે તેમ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વી.એ.પટેલે જણાવ્યું હતુ. તેમના જણાવ્યા મુજબ આરોગ્ય તંત્રના આશરે ૭૦૦ જેટલાં કર્મચારીઓ આરોગ્યલક્ષી કામગીરીમાં રોકાયેલાં છે. ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવારોમાં પણ લોકોના આરોગ્યની સુખાકારી માટે જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલોને ખુલ્લી રાખવામાં આવશે.
જિલ્લામાં ફોગિંગ-એન્ટી લાર્વા ઓઈલ છંટકાવની કામગીરી
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને ફેલાતો અટકાવવા માટે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા પાણીમાંના પોરાનો નાશ કરવાની કામગીરી, એન્ટીલાર્વા ઓઈલ છંટકાવ તેમજ મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા માટે ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં આશાવર્કર બહેનો, આરોગ્ય કર્મચારીઓ વગેરે સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મહેસાણાની સવિનય સોસાયટીમાં ડેન્ગ્યુના ૪ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ
ચોમાસાની સિઝન પૂર્ણ થઇ હોવા છતાં મચ્છર જન્ય અને પાણી જન્ય રોગચાળો શમવાનું નામ નથી લેતો ત્યારે મહેસાણા શહેરમાં આવેલી સવિનય સોસાયટીમાં ડેન્ગ્યુના ૪ કેસ હોવાની ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને થતા રોગચાળાને નાથવા માટે સ્તવરે પગલા ભરવામાં આવે તેવી સંબંધીત તંત્રને તાર્કીદ કરવામાં આવી છે. સવિનય સોસાયટીમાં તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા ખાસ તપાસ કરી ભરાયેલા પાણીનો નિકાલ કરી દવાનો છંટકાવ કરવામાં આવે તે માટે નગરપાલિકાને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા સુચના આપી દેવામાં આવી છે. દિન પ્રતિદન વધતા જતા રોગચાળાને ડામવા માટે તંત્ર મથામણ કરી રહ્યું છે તેમ છતાં રોગચાળો અટકવાનું નામ નથી લેતો.
[ad_2]
Source link